ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર આજથી શરૂ થશે. આગામી બે દિવસ સુધી આ સત્ર ચાલશે. તારીખ 21 અને 22 સપ્ટેબર સુધી ચાલનારા આ ટૂંકા સત્રમાં સરકાર સામે વિરોધ પક્ષ આક્રમક મૂડમાં રહેશે. એક તરફ ગુજરાતમાં ગાંધીનગર ખાતે વિવિધ સરકારી કર્મચારી મંડળ અને અનેક સરકારી કર્મચારીઓ સરકારને ઘેરી રહી છે ત્યારે આજે વિધાનસભામાં પણ એની અસર જોવા મળશે.
ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓનો આંદોલનને પગલે સચિવાલય તેમજ ગાંધીનગરના પ્રવેશદ્વાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે એક તરફ માલધારીઓ પણ આકરા પાણીએ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં દૂધના વિતરણ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે વિધાનસભામાં પણ ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા સરકારને દબાણ આવી શકે છે.
આજે વિધાનસભાના સત્રમાં પશુ નિયંત્રણ વિધેયક ઉપરાંત, જીએસટીમાં સુધારો વિધેયક, ગુજરાત મ્યુનિસિપલ સુધારા વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. આજે ગુજરાત કર્મચારીઓ સંકલન સમિતિની પણ બેઠક મળી હતી. આજે અને આવતીકાલે સત્ર દરમિયાન ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.