Mitram News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારમુખ્ય સમાચારરાજકીય

અમેરિકા – ચીન ક્રોસ ફાયરિંગમાં ફસાયું પાકિસ્તાન, જાણો શું છે મામલો

શું વડા પ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીની અમેરિકાની મુલાકાતે પાકિસ્તાનની રાજદ્વારી મુશ્કેલીઓમાં વધારો કર્યો છે? બંને નેતાઓની મુલાકાત બાદ પાકિસ્તાન મામલે અમેરિકા અને ચીન વચ્ચે જે રીતે ખેંચતાણ ચાલી રહી છે તેના કારણે આ અટકળો લગાવવામાં આવી રહી છે. રાજદ્વારી નિષ્ણાતોમાં એવો અભિપ્રાય ઊભો થયો છે કે હવે પાકિસ્તાન માટે આ બે મોટી શક્તિઓ વચ્ચે તાલમેલ જાળવવો વધુ મુશ્કેલ બની શકે છે.

અમેરિકાએ પાકિસ્તાન સાથેના સંબંધોમાં ચીનનું પાસું લાવીને શરીફ સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વિદેશ મંત્રી ભુટ્ટો ઝરદારી સાથેની વાતચીત બાદ એક નિવેદનમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પાકિસ્તાનને કહ્યું કે તે તેના દેશમાં આવેલા ભીષણ પૂરને પગલે ચીનને દેવાની રાહત આપવાનું કહે. આ અંગે ચીનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે કહ્યું કે યુએસની ટિપ્પણી “પાકિસ્તાન-ચીન સહયોગની અનિચ્છનીય ટીકા” છે. વાંગે કહ્યું કે ચીન “જરૂર સમયે વિલંબ કર્યા વિના પાકિસ્તાનને મદદ કરવા માટે સાચા મિત્ર અને ભાઈ તરીકે આગળ આવ્યું છે”. તેમણે કહ્યું કે અમેરિકાએ એવું કંઈક કરવું જોઈએ જેનાથી પાકિસ્તાનના લોકોને “વાસ્તવિક લાભ” મળે.

અગાઉ, બ્લિંકને પાકિસ્તાનને કહ્યું હતું કે તે તેના નજીકના સાથી ચીનને વિનાશક પૂરને ધ્યાનમાં રાખીને દેવાની રાહત આપવાનું કહે. તેણે કહ્યું- ‘અમે આ સરળ સંદેશ આપવા માંગીએ છીએ. જેમ આપણે ભૂતકાળમાં કુદરતી આફતો વખતે કર્યું છે, તેમ આ વખતે પણ અમે પુનઃનિર્માણ કાર્યમાં પાકિસ્તાનને મદદ કરવા ઉભા છીએ. હું પાકિસ્તાનમાં મારા સાથીઓને વિનંતી કરું છું કે તેઓ ચીન સાથે દેવા મુક્તિના મહત્વના મુદ્દા પર ચર્ચા કરે. તેઓએ ચીનને લોનની ચુકવણીની સમયમર્યાદાને ફરીથી નિર્ધારિત કરવા માટે સમજાવવું જોઈએ, જેથી પાકિસ્તાન પૂરની અસરમાંથી ઝડપથી બહાર આવી શકે.

બ્લિંકનની આ ટિપ્પણી ચીનને પસંદ આવી નથી. તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ધ્યાન દોર્યું કે ચીને પાકિસ્તાનને 400 મિલિયન યુઆનની માનવતાવાદી સહાય આપી છે. ચીનના સામાન્ય લોકોએ પણ પાકિસ્તાન માટે રાહત સામગ્રી એકઠી કરી છે. વાંગે કહ્યું- અમે પાકિસ્તાનના લોકોને પૂરમાંથી બહાર આવવા અને ધ્વસ્ત થયેલા ઘરોને ફરીથી બનાવવા માટે શક્ય તેટલી મદદ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ અમેરિકાએ ચીન-પાકિસ્તાનના સહયોગની અનિચ્છનીય વ્યર્થ ટીકા કરવાને બદલે ખરેખર પાકિસ્તાનના લોકો માટે ફાયદાકારક પગલાં ભરવા જોઈએ.

પાકિસ્તાની મીડિયામાં છપાયેલી ટિપ્પણીઓમાં ચીન પાકિસ્તાનનો મોટો આર્થિક અને રાજકીય સાથી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર 54 અબજ ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. પરંતુ અમેરિકા સતત કહી રહ્યું છે કે આ પ્રોજેક્ટનો ફાયદો ચીનને મળશે, જ્યારે પાકિસ્તાન દેવાના બોજમાં દબાઈ જશે. પાકિસ્તાને અત્યાર સુધી આવી ટીકાઓને ફગાવી દીધી છે. પરંતુ શાહબાઝ શરીફ સરકાર અમેરિકા સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી છે, તે સમયે પાકિસ્તાનનું વલણ શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ચીનની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સાથેના સંબંધોમાં અમેરિકાની દખલગીરી સહન કરશે નહીં.

Related posts

સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1 ની ધરપકડ

mitramnews

રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની કરાઈ બદલીઓ, 100થી વધુ અધિકારીઓની બદલીઓ

mitramnews

મોબાઈલમાં ગેમ રમવા પર માતાએ ઠપકો આપ્યો, 10 વર્ષની બાળકીએ કરી લીધી આત્મહત્યા

mitramnews

Leave a Comment