બારડોલીમાં શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મજયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બારડોલીના ધામદોડ રોડ અને સર્વોદય નગરમાં આવેલ શ્રી રંગ મંદિરમાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.
બારડોલી ધામદોડ રોડ ખાતે આવેલ શ્રી રંગ મંદીર ખાતે બુધવારે સવારથી દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં ભગવાનને વિવિધ વાનગીનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન મંદિરમાં ભજન કીર્તન, દત્ત બાવની પઠન અને ધૂન ચાલુ રહી હતી. સવારે પાદુકપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત મહાપ્રસાદીનો પણ ભક્તોએ લાભ લીધો હતો. રંગ અવધૂત મહારાજની 125મી જન્મજયંતી હોવાથી આખું વર્ષ અનેક કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. 6 નવેમ્બરના રોજ 125 દત્ત બાવની યોજાશે જેનો સવારે 6 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત 2/11/2022થી 21/11/2023 સુધી બાપજીની પાદુકાજીનું ગામે ગામ પધરામણી કરવામાં આવનાર છે.આ માટે મંદિરમાં અગાઉથી નોંધણી કરાવવાની રહેશે.