કેન્દ્ર સરકારના મંત્રી કૌશલ કિશોરનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે. કૌશલ કિશોરે એક વ્યસન મુક્તિ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી કૌશલ કિશોરનું એક નિવેદન ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યસન મુક્તિ કાર્યક્રમમાં કહ્યું કે જવાહરલાલ નેહરુજી નશો કરતા હતા અને ગાંધીજીના એક પુત્ર નશો કરતા હતા. જો તમે વાંચશો અને જોશો તો ખબર પડી જશે. નશાની દુનિયાએ આપણા દેશને સંપૂર્ણ રીતે કબજે કરી લીધો છે. અમારી તમને સૌને અપીલ છે, તમામ મીડિયા ભાઈઓને કે નશાથી થતા નુકસાન, નશાથી થતા મૃત્યુ, નશાથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન વિશે જેટલો ડર તમે લોકોમાં પેદા કરશો તો જેમ ઝેરની દુકાનો નથી તેવી જ રીતે નશાની દુકાનો પણ બંધ થઈ જશે.’
થોડા દિવસો પહેલા, કૌશલ કિશોરે ટ્વિટ કરીને પોતાનું અંગત દર્દ લોકો સાથે શેર કરતા નશો છોડી દેવાની અપીલ કરી હતી. કૌશલ કિશોરે ટ્વીટ કર્યું હતું કે, ‘હું પોતે સાંસદ બન્યો, મારી પત્ની ધારાસભ્ય બન્યા પછી પણ હું મારા પુત્રનો જીવ નશાની લતથી બચાવી શક્યો નહીં, પરંતુ હું ઈચ્છું છું કે કોઈ પણ માતા અને પિતા નશાના કારણે પોતાનું બાળક ન ગુમાવે. નશાના કારણે કોઈ મહિલા વિધવા ન બને, નશાના કારણે કોઈ બાળક બાપ વિનાનું ન થાય.’
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘નશાને કારણે કોઈ બહેન તેનો ભાઈ ન ગુમાવે અને નશાને કારણે કોઈના પણ પરિવારના સભ્યનું મૃત્યુ ન થાય, એ માટે હું ‘નશા મુક્ત સમાજ આંદોલન અભિયાન કૌશલ કા’ દ્વારા આખા દેશને જાગૃત કરીને નશામુક્ત ભારત બનાવવા માંગુ છું.