વાપી GIDC માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કલાઈમેન્ટ ચેન્જના અનુસંધાને વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવા વડાપ્રધાનના સ્વપ્નને દેશમાં સાકાર કરવામાં આવી રહ્યું છે.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ આ માટે ખાસ પહેલ કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે 40 કિલોવોટની સોલાર સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેનાથી દર વર્ષે વીજ બીલમાં 3.20 લાખની રાહત થશે. જે બાદ તેને બીજા તબક્કામાં વધુ ઉપયોગી બનાવવાની પહેલ પણ કરવામાં આવશે. નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાને સોલારથી ચાલતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે. જે બાદ દ્વારકા તીર્થધામ ને પણ સોલાર ઉર્જાથી ચાલતું તીર્થધામ બનાવવાની પહેલ ચાલી રહી છે. ગુજરાત સૌરઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જો કે સોલાર પેનલમાં મળતી સબસીડી સૌરઉર્જાના સંગ્રહ માટેની બેટરીમાં નથી મળતી ત્યારે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે કે નહીં તેના જવાબમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે પોલિસી આવી રહી છે જે ટુંક સમયમાં જાહેર થશે. તો, આજથી શરૂ થતું 2023નું વર્ષ તમામ માટે સારું, તંદુરસ્તી આપનારું પ્રગતિમય નીવડે તેવી શુભેચ્છા સાથે નવા વર્ષમાં બજેટની તૈયારી આરંભવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાપીના સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે ઉભી કરેલી સોલાર પેનલ સિસ્ટમથી 40 કિલોવોટ વીજળી મેળવવામાં આવશે. જે માટે 125 નંગ પેનલનું માળખું ઉભું કરવામાં આવ્યું છે. જે દરરોજ 130 યુનિટ પાવર જનરેટ કરશે. કુલ 20 લાખના આ ખર્ચે ઉભા કરેલા પ્રોજેકટથી 8.20 રૂપિયા કિલોવોટ દીઠ વાર્ષિક 3.20 લાખના વીજબીલની બચત થશે. સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે દરરોજ 442 કિલોવોટ વીજળીની ખપત થાય છે. જેમાં 30 ટકા વીજળી સૌરઉર્જા દ્વારા પ્રાપ્ત થશે.