વિક્રમ સંવત 2079, મહા વદ ચોથ (4)
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં એક પણ બાળક શિક્ષાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જે માહિતી આપવામાં આવી છે અને જે આંકડા જપ્ત રજૂ કરવામાં આવ્યા છે તે ચોંકાવનારા છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે ગુજરાત રાજ્યમાં એક લાખથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહ્યા છે.
દેશમાં કુલ 9.30 લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણ લીધું નથી
રાજ્યસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે, વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કુલ 9.30 લાખ બાળકોએ પ્રાથમિક જ્યારે 3.22 લાખ બાળકોએ માધ્યમિક સ્તરે શિક્ષણ લીધું નથી. સરકારે જણાવ્યું કે, આવા બાળકોમાં 5.55 લાખ છોકરીઓ જ્યારે 6.96 લાખ છોકરાઓ છે. કેન્દ્ર સરકારની માહિતી મુજબ, દેશમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 3.96 લાખ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહ્યા છે. જ્યારે બીજા નંબરે બિહારમાં 1.34 લાખ બાળકો અને ગુજરાતમાં 1.06 લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણ લીધું નથી.
માધ્યમિક સ્તરે શિક્ષણથી વંચિત રહેનારા 36 હજારથી વધુ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેનારા બાળકોમાં 44,751 છોકરા જ્યારે 62,125 છોકરીઓ છે આમ કુલ સંખ્યા 1,06,885 છે. માધ્યમિક સ્તરે શિક્ષણથી વંચિત રહેનારામાં 15,868 છોકરા અને 20,653 છોકરીઓ સામેલ છે આ કુલ સંખ્યા 36,522 છે. માધ્યમિક સ્તરે શિક્ષણથી વંચિત બાળકોની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે જ્યારે પ્રાથમિક સ્તરે શિક્ષણથી વંચિત બાળકોની સંખ્યામાં રાજ્ય ત્રીજા ક્રમે છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 6થી 14 વર્ષના 9.30 લાખ બાળકો હુજ પણ પ્રાથમિક શિક્ષણથી વંચિત છે. ગુજરાતમાં 6થી 18 વર્ષના 1.43 લાખ બાળકોએ શાળાનું પગથિયું પણ જોયું નથી.