વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ત્રીજ ને બુધવાર
→ સતર્ક મીત્રમ, સુરત
બુધવારે સુરતના ઉધના-સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ ખાતે આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં આવેલા કેટરર્સના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. બંધ ગોડાઉનમાં ગેસ લીકેજના કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આગ વિકરાળ થતા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી. ફાયરની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
માહિતી મુજબ, સુરતના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ ખાતે આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં તુષાર ઠકાર કેટરર્સનું ગોડાઉન ધરાવે છે. બુધવારે સવારે ગોડાઉન બંધ હતું ત્યારે ગેસ લીકેજના કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણ ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સદનસીબે આગની ઘટનાના સમયે ગોડાઉન બંધ હોવાથી ત્યાં કોઈ નહોતું. આથી કોઈ જાનહાનિ થઈ નથી. સંપૂર્ણ ગોડાઉન આગમાં બળીને ખાખ થયું હતું.
ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી
આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મજૂરા અને ભેસ્તાન ફાયર સ્ટેશન સહિતની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ, આગના કારણે હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાથી સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.