વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ત્રીજ ને બુધવાર
→ સતર્ક મીત્રમ, શિક્ષણ મીત્રમ
પોરબંદર લો કોલેજ અને જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા જી-ટ્વેન્ટી અંતર્ગત ગ્રાહક સુરક્ષાને લગતા કાયદા પર સેમિનારનું આયોજન સ્વામિનારાયણ ગુરૂકુળ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં વિશ્વ એક બજાર બની ગયું છે, જેમાં વિશ્વના કોઈપણ ખૂણેથી વસ્તુઓની ખરીદી કરવી કે વેચાણ કરવું સહેલું બની ગયું છે. આ જ રીતે ખરીદ કે વેચાણનાં વહેવારમાં ઘણી વખત લોકો છેતરપડીનો શિકાર બનતા હોય છે અથવા અન્ય રીતે ખરીદ કરેલ વસ્તુની ગુણવત્તા નિમ્ન કક્ષાની મળેલ હોય તો તેમાં એક ગ્રાહક તરીકે તેઓના ક્યા અધિકાર છે અને તેઓ કઈ રીતે પોતાની સાથે થયેલ છેતરપડીનું યોગ્ય વળતર મેળવી શકે તે માટે ગ્રાહકોને તેમના અધિકારો અને ગ્રાહક સુરક્ષાનાં કાયદાથી માહિતગાર હોય તે જરૂરી છે. અને જો આવી માહિતી વિદ્યાર્થીકાળમાં જ મળી રહે તો આવી છેતરપડી થતી રોકી શકાય છે.
આ જ અંતર્ગત છાંયાની ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ દ્વારા હાલમાં ભારત યજમાની કરી રહેલ જી-ટ્વેન્ટીના જાહેરાત અને પારદર્શિતાનાં સિદ્ધાંત હેઠળ વિદ્યાર્થીઓ ગ્રાહક સુરક્ષાનાં કાયદા વિષે માહિતગાર થાય તે માટે ગ્રાહક સુરક્ષા જાગૃત્તિ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ-જૂનાગઢનાં પ્રમુખ ન્યાયાધીશ વાય.ડી. ત્રિવેદી મુખ્ય મહેમાન અતિથી તથા એક્સપર્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમીનારની શરૂઆત લો કોલેજના પ્રિન્સીપાલ ડો. વિજયસહ જી. સોઢા દ્વારા ગ્રાહક સુરક્ષાને લગતા મુખ્ય ત્રણ પાયાના સિદ્ધાંતથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુલના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી દ્વારા કાર્યક્રમને લગતા આશિર્વચનો પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમુખ ન્યાયાધીશ વાય.ડી. ત્રિવેદી દ્વારા વિવિધ ગ્રાહક સુરક્ષા કાયદા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ તેઓ દ્વારા ગ્રાહક અને ઉપભોક્તા વચ્ચે શું તફાવત છે ? તે અંગે પણ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષા સાથે સંકળયેલ વિવિધ ક્ષેત્રો જેવા કે વીમા-ઈન્સ્યુન્સ દાવા, પાક વિમા દાવા, તબીબી સારવારમાં બેદરકારી, ઓનલાઈન ખરીદીમાં છેતરપડી, રેલ્વે, એરલાઈન્સ સર્વિસ ખામી, બેંકિંગ, નોન બેંકિંગ, ફાઈનાન્સીયલ સર્વિસની ખામી, રીઅલ એસ્ટેટની સર્વિસ ખામી, ઈલેક્ટ્રીસટી સીર્વસ ખામી, વસ્તુની ગુણવત્તામાં રહેલ ખામી, ટેલીકોમ સર્વિસની ખામી, ટુરીઝમ સર્વિસની ખામી, પોસ્ટની સર્વિસની ખામી વગેરે જેવી બાબતો પર ઉપભોક્તાઓને થતી તકલીફો અને જિલ્લા ગ્રાહક કોર્ટ દ્વારા ગ્રાહકના હક્કમાં અપવામાં આવતા ચુકાદાઓ પર વિસ્તૃત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષાને લગતા સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સેમીનારમાં કાયદાનાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત વિવિધ કોર્ટમાં કઈ રીતે પોતાનો પક્ષ રજુ કરવો ? તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.