વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ત્રીજ ને બુધવાર
→ સતર્ક મીત્રમ, વડોદરા
થોડા દિવસ પહેલા વડોદરાના પદમલા બ્રિજ નીચેથી 30-35 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા કરી બ્રિજ પરથી મિનિ નદીમાં ફેંકી હતી. જો કે, હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં છાણી પોલીસને સફળતા મળી છે. બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. માહિતી મુજબ, છાણી પોલીસ બંને પ્રેમીઓને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરીને વડોદરા લાવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા અજય યાદવ નામના વ્યક્તિ સાથે રહેતી હોવાનું ખુલ્યું
માહિતી મુજબ, 16 ફેબ્રુઆરીના રોજ પદમલા ગામમાં આવેલી મિનિ નદીના બ્રિજ પાસે એક 30-35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી છાણી પોલીસને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પીએમ મોટે મોકલી આપ્યો હતો. ત્યાર બાદ જાણ થઈ કે, મહિલાનું ગળુ દબાવી તેની હત્યા કરી મૃતદેહને બ્રિજ પરથી મિનિ નદીમાં ફેકી દેવાયો હતો. આથી હત્યાનો ગુનો નોંધી છાણી પોલીસ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમે તપાસ હાથ ધરી હતી. આ મહિલા કોણ છે? તે અંગેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા રણોલી બસ સ્ટેન્ડ નજીક રહેતી હતી અને તેનું નામ ચમેલી હોવાનું બહાર આવ્યું હતું. આ દીશામાં વધુ તપાસ કરતા પોલીસને જાણ થઈ કે ચમેલી પરિણીત હતી અને ત્રણ બાળકોની માતા હતી. પરંતુ, ચમેલી અને તેના પતિ વચ્ચે હાલ કોઈ સંબંધો નહોતા, જેના કારણે ચમેલીના મા-બાપ પણ તેનાથી દૂર હતા. વડોદરામાં ચમેલી અજય યાદવ નામના ઇસમ સાથે રહેતી હતી.
અજયના પરિણીત મિત્ર સાથે ચમેલીના સંબંધ
આથી પોલીસે અજયની શોધખોળ કરતા તે ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં રહેતો હોવાની માહિતી મળી હતી. કોલ ડિટેઇલ્સ રેકોર્ડ, લોકેશન સહિતની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ અને છાણી પોલીસની ટીમે ઉત્તરપ્રદેશમાંથી અજયને ઝડપી લીધો હતો. આરોપીને છાણી પોલીસ સ્ટેશન લાવી તેની સદન પૂછપરછ કરવામાં આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. અજયે પોલીસને જણાવ્યું કે તે બંને લીવ-ઇનમાં રહેતા હતા. દરમિયાન ગામમાં અજયના લગ્ન નક્કી થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. અજય ઉત્તરપ્રદેશ તેના વતન ગયો તે દરમિયાન તેના મિત્ર ઉદય શુક્લાના ચમેલી સાથે સંબંધ બંધાઈ ગયા હતા. ચમેલી ઉદય શુક્લા સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ ઉદય પરિણીત હોવાથી લગ્ન કરતો ન હતો. જોકે અજય અને ઉદય બંને ચમેલીથી ત્રાહિત થયા હતા, આથી બંનેએ ચમેલીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇનના દિવસે અજય ચમેલીને મિનિ નદી પર લઈ આવ્યો હતો. ત્યાં અજય અને ઉદયે ભેગા મળીને ચમેલીનું ગળુ દબાવી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ ચમેલીના મૃતદેહને બ્રિજ પરથી ઘસડીને નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.