વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ચોથ ને ગુરુવાર
→ સતર્ક મિત્રમ, વડોદરા.
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા એક યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પહેલા યુવકે ગુજરાતી અને હિન્દી ભાષામાં એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
પરિવાર પંજાબથી આવતો હતો અને યુવકે ફાંસો ખાધો
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી બાલાજી રેસિડેન્સીમાં રહેતા અને કુંઢેલા પાસે આવેલી યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ પંજાબના રહેવાસી નિશાંતસિંહ સંધુએ વડોદરા સ્થિત તેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો છે. આ દરમિયાન તેનો પરિવાર પંજાબથી ટ્રેનમાં પરત ફરી રહ્યો હતો. આ અંગની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં વ્યાજખોરોના ત્રાસથી તેણે જીવન ટૂકાવ્યું હોવાનો ઉલ્લેખ કરતા પોલીસે આરોપી વ્યાજખોર અક્ષય સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
આપઘાત પાછળ બે કારણનો ઉલ્લેખ કર્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિશાંતસિંહે સુસાઇડમાં આત્મહત્યા કરવા પાછળના બે કારણ વિશે લખ્યું હતું. પહેલું કારણ જણાવતા નિશાંતે લખ્યું હતું કે, તેણે અક્ષય નામના શખ્સ પાસેથી રૂ. 20 હજાર વ્યાજે લીધા હતા, જેની સામે નિશાંતે રૂ. 32 હજાર ચૂકવી દીધા હતા, પરંતુ તેમ છતાં અક્ષય દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. અક્ષય નિશાંતને ધાક-ધમકી આપતો અને તેની ટુ-વ્હિલર પણ ઉઠાવી લઈ ગયો હતો. આથી કંટાળીને નિશાંતે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે નિશાંતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પોલીસવાલો કો રિક્વેસ્ટ કરતા હું કે અક્ષય જેસે લોગો કો માફ મત કરના. બીજું કારણ જણાવતા તેણે લખ્યું કે, તે મથુરામાં રહેતી પલક નામની એક યુવતીને પ્રેમ કરે છે. છેલ્લા ચાર દિવસથી તેની પલક સાથે વાતચીત થઈ નહોતી. નિશાંતે લખ્યું કે તે પલક વગર જીવી શકે તેમ નથી. આથી તે સુસાઇડ કરી રહ્યો છે. સાથે તેણે રિક્વેસ્ટ કરી કે પોલીસ પલકને હેરાન ન કરે. આ મામલે મકરપુરા પોલીસે અક્ષયની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.