વિક્રમ સંવત 2079, ફાગણ સુદ ચોથ ને ગુરુવાર.
→ સતર્ક મીત્રમ, સુરત.
સુરતમાં આશ્ચર્યમાં મૂકે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, પતિએ પત્નીને હેરાન કરવા અને મુશ્કેલીમાં મૂકવા માટે અજીબ કીમિયો અપનાવ્યો હતો. માહિતી મુજબ, જન્મદિવસની ઉજવણી માટે પતિ પત્નીને સાપુતારા લઈ ગયો હતો. પછી પત્નીને હોટેલમાં જ મૂકીને પોતે ફરાર થઈ ગયો હતો અને સાથે મોબાઇલ ફોન અને ડોક્યુમેન્ટ પણ લઈ ગયો હતો. આ મામલે પત્નીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત સાસુ-સસરાની ધરપકડ કરી છે.
મુંબઈમાં રહેતી અને બ્યુટિશિયન તરીકે નોકરી કરતી 24 વર્ષીય રીમા રિઝાઉલ શેખના પ્રેમલગ્ન નવેમ્બર, 2022માં સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા આશિયાના કોમ્પ્લેક્સમાં રહેતા મો.યાકુબ ઇશ્તાક દાદાભાઇ સાથે થયા હતા. પ્રેમલગ્નના થોડા સમય બાદ યાકુબે રીમાને કહ્યું હતું કે, તું માતા-પિતાને ગમતી નથી. અને સાથે રાખવાનો ઇનકાર કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન ચોથી ફેબ્રુઆરીએ પતિનો જન્મદિવસ હોવાથી બંને સાપુતારા પહોંચ્યા હતા અને એક હોટેલમાં રોકાયા હતા.
પત્નીનો ફોન અને ડોક્યુમેન્ટ લઈ પતિ ફરાર થયો હતો
હોટેલમાં બીજા દિવસે જ્યારે પત્ની સૂતી હતી ત્યારે પતિ તેને મૂકીને સુરત આવી ગયો હતો અને પોતાની સાથે પત્નીનો મોબાઇલ ફોન અને તમામ ડોક્યુમેન્ટ પણ લઈ આવ્યો હતો. પતિ ભાગી ગયો હોવાની જાણ પત્નીને થતા તેણે હોટેલ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી અને પછી સંબંધીનો સંપર્ક કરી બિલ ચૂકવી સુરત પહોંચી હતી. યુવતીએ રાંદેર પોલીસે સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.