વિક્રમ સંવત 2079, ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર
⇒ સમાજ મિત્રમ, અમદાવાદ
શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને મોટી ભેટ આપી છે. અમિત શાહે અમદાવાદના રિંગ રોડ પર આવેલા સનાથલ બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકાયો છે. સનાથલ-એસપી રિંગરોડ પર આ બ્રિજના નિર્માણમાં રૂ.97 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થતા સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો સહિત આશરે 70 હજાર વાહનચાલકોને મોટી રાહત મળી છે.
ગુજરાતે વિકાસના નવા બેન્ચમાર્ક ઊભા કર્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રૂ.154 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. AMC અને ઔડાના વિવિધ વિકાસકાર્યોનું ગૃહમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય અગ્રણીઓ નેતાઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય સાથે કામ કરી રહી છે. ગુજરાતે વિકાસના નવા બેન્ચમાર્ક ઊભા કર્યા છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળ્યો છે. બાળકો માટે સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાઈ રહી છે. આજે ગૃહમંત્રી ગાંધીનગર મતવિસ્તારમાં 5 સ્માર્ટ સ્કૂલનું ઇ-લોકાર્પણ કરશે.
બાવળામાં 468 પરિવારોને મળશે ઘર!
અમિત શાહે સનાથલ-એસપી રિંગરોડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાની સાથે તેમણે ઔડા-એમએમસી, ગુજરાત સરકાર તને તમામ અધિકારીઓ અને ટીમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, હું ધારાસભ્ય હતો ત્યારથી અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતા બ્રિજની માગ હતી, ત્યારે આજે મને આનંદ છે કે ગાંધીનગરના સાંસદ તરીકે આ માગ પૂરી થાય છે. સાથે જ તેમણે માહિતી આપી કે બાવળામાં 468 ઘરોનું લોકાર્પણ થશે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 468 પરિવારોને પોતાનું ઘર આપવામાં આવશે. આજે અમિત શાહ સનાથલ ઓવરબ્રિજ સાથે 5 સ્માર્ટ સ્કૂલ, 2 સિનિયર સિટીઝન પાર્ક, રૂ.4.39 કરોડના ખર્ચે તૈયાર થનાર જીએસટી ફાટક પાસના સબ-વેનું અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે.