વિક્રમ સંવત 2079, ફાગણ વદ આંઠમ ને બુધવાર.
⇒ સમાજ મિત્રમ, સુરત.
ડાયમંડ સિટી અને સિલ્ક સિટીની સાથે સાથે હવે સુરત બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. છેલ્લા અમુક વર્ષોમાં સુરત શહેરમાં અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી સુરતીઓનું પરિવહન સરળ થયું છે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળી છે. પરંતુ, સુરત અને ઓલપાડને જોડતા પુલનું નિર્માણકાર્ય પૂર્ણ હોવા છતાં પણ ઉદઘાટન ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઓલપાડ તાલુકા અને સુરત શહેરને જોડતા સરોલી બ્રિજનું કામ લગભગ 15 દિવસ પહેલી જ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે નાગરિકો પણ તેના શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી બ્રિજનું ઉદઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માહિતી છે કે, મોટા નેતાઓ ન મળતા બ્રિજનો ઉદઘાટન કાર્યક્રમ અટકાયો છે. જ્યારે નવો બ્રિજ તૈયાર હોવા છતાં વાહનચાલકો અને રાહાદારીઓને જૂના બ્રિજ પરથી અવર-જવર કરવાની ફરજ પડી રહી છે.
મોટા નેતા ન મળતા ઉદઘાટન અટકાયું હોવાની અટકળો
માહિતી મુજબ, લોકોએ આરોપ લગાવતા કહ્યું કે, નવો બ્રિજ તૈયાર હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રીજના ઉદઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રીને બોલાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. સંબંધિત વિભાગ દ્વારા તારીખ નહીં ફાળવવામાં આવતા નવો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. સુરત શહેરમાં રોજ ઓલપાડના વિવિધ ગામોથી હજારો લોકો રોજીરોટી મેળવવા માટે આવતા હોય છે. બ્રિજ શરુ ન થતા તેમણે સવાર-સાંજ ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવો બ્રિજ તૈયાર હોવા છતાં બંધ રાખવામાં આવતા હવે લોકોમાં રોષની લાગણી પ્રર્વતિ છે.
આશા રાખીયે કે ટૂંક સમયમાં આ બ્રિજ નું ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.