Mitram News
આરોગ્ય મિત્રમતાજા સમાચારમુખ્ય સમાચારવલસાડ

સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં 5 વર્ષમાં 13868 દર્દી સપડાયા

વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ બીજ ને ગુરુવાર

⇒ આરોગ્ય મિત્રમ

“ટીબી હારેગા, દેશ જીતેગાનો નારો” માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુંજી રહ્યો છે. ટીબી (ક્ષય) એક ચેપી રોગ છે. જે માઈક્રેકટેરીયમ ટયુબરક્યુલોસીસ નામના બેકટેરીયાથી થાય છે.

સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો છેલ્લા 5 વર્ષમાં 13868 દર્દી ટીબીની બિમારીમાં સપડાયા હતા પરંતુ સમયસર અને નિયમિત સારવાર લઈ 11677 દર્દી સંપૂર્ણ સાજા થઈ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. જ્યારે 450 દર્દીના મૃત્યુ થયા હતા. ટીબીની સૌથી વધુ અસર 15 થી 30 વર્ષની વયના લોકોમાં જોવા મળી છે. ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને નિક્ષય પોષણ યોજના કારગત નીવડી છે. જે અંતર્ગત જિલ્લામાં 32 નિક્ષય મિત્ર નોંધાયા છે કે જેમણે 448 દર્દીને દત્તક લઈ તેમને સાજા થવામાં મદદરૂપ થઈ માનવતાના દર્શન કરાવ્યા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટીબીને વર્ષ 2025 સુધીમાં ભારતમાં જડમૂળથી નાબૂદ કરવા માટે લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે.

ટીબી સામેની લડત એ માટે માત્ર સરકાર પૂરતી જ સીમિત નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે કારણ કે, ટીબીનો એક દર્દી જો સારવાર નહીં લે તો વર્ષમાં 15 થી 20 તંદુરસ્ત વ્યક્તિને ચેપ લગાડી શકે છે. એટલા માટે જ આવા દર્દીને શોધીને સારવાર આપવી ખૂબ જરૂરી છે. ટીબીના દર્દીની સારવાર 6 માસ સુધી તથા તેના સંપર્કમાં રહેતા દરેક સભ્યોને ટીબી ન થાય તે માટે પ્રિવેન્ટીવ થેરાપીની સારવાર પણ 6 માસ સુધી આપવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને એચ.આઈ.વી વાળા લોકો માટે ક્ષય રોગ ખતરનાક છે. તેમને તાત્કાલિક દવા આપવી અનિવાર્ય છે. વલસાડ જિલ્લામાં જ છેલ્લા 5 વર્ષમાં 1 થી 14 વર્ષ સુધીના ટીબીના 595 બાળ દર્દી જોવા મળ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ટીબીના સૌથી વધુ દર્દી વલસાડ તાલુકામાં 4666 અને સૌથી ઓછા 881 દર્દી કપરાડા તાલુકામાં નોંધાયા છે.  પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા નિક્ષય મિત્ર બનાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. જે અંતર્ગત ટીબીના દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી અનાજની કીટ આપવામાં આવે છે. નિક્ષય મિત્ર પોતાના દત્તક દર્દીને આ કીટ ઉપલબ્ધ કરાવી શકે છે. નિક્ષય મિત્ર બનવુ સરળ છે. જે માટે www.nikshay.in પર પોતાની નોંધણી કરીને જાતે નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીને નવુ જીવન આપવામાં મદદરૂપ થઈ શકે છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.એચ.પી.સિંગે જણાવ્યું કે, ટીબીનો રોગ હવાથી ફેલાય છે. હાથ મીલાવવાથી, ટોઈલેટ સીટ પર બેસવાથી કે ક્ષય રોગના દર્દી સાથે એક થાળીમાં જમવાથી કે તેણ વાપરેલી થાળીનો ઉપયોગ કરવાથી ટીબીનો ચેપ લાગતો નથી. ટીબીના રોગનું નિદાન અને સંપૂર્ણ સારવાર મફતમાં થાય છે. વહેલુ નિદાન અને નિયમિત સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે.

નેશનલ ટીબી એલિમીનેશન પ્રોગ્રામ હેઠળ હાલ વલસાડ જિલ્લામાં 76 જગ્યાએ ગળફાની તપાસ માઈક્રોસ્કોપ દ્વારા થાય છે. ગળફાની વધુ તપાસ માટે ધરમપુર સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર, વલસાડ નગરપાલિકા હોસ્પિટલ અને પારડીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અદ્યતન ટેકનોલોજી વાળા મશીન ઉપલબ્ધ છે. ચાલુ વર્ષ 2023માં આજદિન સુધીમાં જિલ્લામાં 647 દર્દી નોંધાયા છે. જે પૈકી 68 દર્દીને હાલમાં નવી શોધાયેલી દવા વડે 9 થી 11 માસ કે 18 થી 20 માસ સુધી સારવાર આપવામાં આવી રહી છે.

સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય*

1) નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીની સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂ. 500 દર્દીના બેંક ખાતામાં ચૂકવાય છે. જો દર્દી ટ્રાયબલ વિસ્તારમાંથી આવે તો તેને પ્રથમ વાર ટ્રાવેલ એલાઉન્સ તરીકે રૂ. 750 પણ મળે છે. વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા અને ઉમરગામના દર્દીઓને આ લાભ મળી રહ્યો છે.

2) જો કોઈ વ્યક્તિ કોઈ દર્દીને સારવાર આપવામાં મદદરૂપ બને એટલે કે, ટીબીના દર્દીને રૂબરૂમાં જ પ્રત્યક્ષ દવા ગળાવવાની કામગીરી પોતાની સ્વેચ્છાથી કરે તેને ડોટ્સ કહેવાય છે. ડોટ્સ તરીકે ડોક્ટર, કંપાઉન્ડર, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર, દાયણબેન, ગ્રામ મિત્ર, સ્વંયસેવક, ટીબીના સાજા થયેલા દર્દી અથવા તો અન્ય સેવાભાવી વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમને ડોટ્સ પ્રોવાઈડર તરીકેની કામગીરી બદલ રૂ. 1 હજાર થી રૂ. 3 હજાર સુધીની રકમ મહેનતાણા પેટે ચૂકવાઈ છે.

૩) પ્રાઈવેટ પ્રેક્ટીશનર્સ અને કેમિસ્ટ માટે ટીબીના દર્દીની નોંધણી ફરજિયાત છે. જે માટે તેઓને નોંધણી પેટે રૂ. 500 અને સારવાર પુરી થયેથી જાણ કરવા માટે ફરી રૂ. 500 આપવામાં આવે છે.

——

આ લક્ષણો હોય તો ચેતી જજો, તાત્કાલિક સારવાર કરાવો  જો તમને અઠવાડીયાથી ખાંસી (ઉધરસ) આવતી હોય, શરીરમાં ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કયારેક ગળફામાંથી લોહી પડે અથવા લોહીની ઉલટી થાય એવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં ફ્રીમાં તપાસ કરાવી શકો છો.

Related posts

પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા સુધી નિશાના પર હિન્દુ મંદિરો, હવે કેનેડામાં પણ તોડી ભગવાનની મૂર્તિઓ

mitramnews

દરરોજ સવારે મીઠા લીમડાના પાન ખાવાથી થતા અદભુત ફાયદાઓ

mitramnews

ફાયદો / રોકાણકારોને બખ્ખા, 4 રૂપિયાના થયા 965 રૂપિયા, 9 મહિનામાં 1 લાખ રૂપિયા થઈ ગયા 1 કરોડ

mitramnews

Leave a Comment