વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ સાતમ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ
સુરતના પલસાણા તાલુકાના જોળવા ખાતે મહિના પહેલા 11 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે બારડોલીની એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે ઔતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપીને ફાંસીની સજા અને અન્ય આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલ એમ આજીવન કેદની સજા ફટકારાઇ છે.
બાળકીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
પલસાણા તાલુકાના જોળવા ગામે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ 11 વર્ષની માસૂમ બાળકીને ઘરે મૂકી માતા-પિતા મિલ કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે બિલ્ડિંગમાં જ રહેતા 32 વર્ષીય દયાચંદ્ર પટેલ ત્યાં આવ્યો હતો અને બાળકીને બિલ્ડિંગના અન્ય એક ખાલી રૂમમાં લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી તેને લોહીલુહાણ અવસ્થામાં મૂકીને જતો રહ્યો હતો. સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસ ફરિયા થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દયાચંદ્ર પટેલ અને તેની જઘન્ય અપરાધ આચરવામાં તેની મદદ કરનાર કાલુરામ જાનકી પ્રસાદની ધરપકડ કરી હતી. આ મામલે બારડોલી કોર્ટમાં કેસ ચાલતો હતો.
મુખ્ય આરોપી બે બાળકોનો પિતા
આ કેસ હેઠળ સોમવારના રોજ બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા બંને આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે મંગળવારે કોર્ટે ઔતિહાસિક ચુકાદો આપ્યો છે. બારડોલી એડિશનલ સેસન્સ કોર્ટના સાતમા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ બી.જી. ગોલાણીએ મુખ્ય આરોપી દયાચંદ પટેલને ફાંસીની સજા તેમ જ મદદગારી કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને આજીવન કેદની સજા ફટકારી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી. સરકારી વકીલે નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓનું કૃત્ય નિર્દયી અને જઘન્ય હતું. માનવતાને લજાવે તેવું કૃત્ય હોવાથી કેપિટલ પનિશમેન્ટની સજાની માગ કરાઈ હતી. આ સમગ્ર કેસમાં 42 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યાં હતાં. આથી જે કોર્ટે ગ્રાહ્ય રાખીને એકને ફાંસી અને સહાયતા કરનારને આજીવન કેદની સજા ફટકારી છે. મુખ્ય આરોપી દયાચંદ બે બાળકોનો પિતા છે.