વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, સુરત.
સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી.
ક્રાઇમ બ્રાંચે ચીકલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી 10 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગેંગ ટેમ્પો અને શહેરના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી બેટરી, ભંગારની ચોરી કરતી હતી. ક્રાઇમ બ્રાંચે સચિન જીઆઈડીસી પાસેથી આ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. સાથે જ એક ટેમ્પો, પીકઅપ ગાડી મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આરોપીઓ પાસેથી કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે સચિન જીઆઈડીસીના નાકા પાસે દરોડો પાડ્યો હતો અને ચીકલીગર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. આરોપી મધુસિંગ ઉર્ફે અમરસિંગ ટાંક, દીપસિંગ ઉર્ફે દીપુ કલાની અને રોહિત રામાણીની ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓ પાસેથી લોખંડની સેન્ટિંગ પ્લેટો સાથે પીકઅપ ટેમ્પો (કિંમત રૂ. 3 લાખ), અન્ય એક ટેમ્પો (રૂ.1.25 લાખ), લોખંડની સેન્ટિંગની પ્લેટો (રૂ.1.09 લાખ), બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
10 જેટલા ગુનાના ભેદ ઉકેલાયો
આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી પાર્ક કરેલા ટેમ્પો, પીકઅપ વાન, છોટા હાથીના લોક તોડી સામાનની ચોરી કરતા હતા. ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારના ગોડાઉન અને દુકાનોમાંથી ભંગાર તથા ફોરવ્હીલ ગાડીની મોટી બેટરીઓની ચોરી પણ કરતા હતા. આરોપીઓની કબૂલાતના પગલે પુણા, ઉધના, ડીંડોલી, સારોલી, પાંડેસરા અને ખટોદરા પોલીસ મથક મળી કુલ 10 જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે આથી પોલીસે તેમની કડક પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી આદરી છે.