વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર.
⇒ રાજકીય
આદિવાસીઓ માટેના ભીલિસ્તાનનું ભૂત ફરી ધૂણ્યું છે. ગુજરાતમાં આપના લડાકું નેતા ચૈતર વસાવા દ્વારા આ માગ કરાઈ છે. ત્યારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ છે. ત્યારે ચૈતર વસાવાએ ત્યાંના આદિવાસીઓને પણ જોડવા માટેની તૈયારી દર્શાવી છે.
જો પડોશી રાજ્યોના આદિવાસીઓ જોડાશે, તો બની શકે છે કે, આગામી સમયમાં આંદોલન ભીલિસ્તાનને લઈને મોટું બની શકે છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ મોટા આદિવાસી નેતાનું કે અન્ય કોઈ નેતાનું નિવેદન સામે નથી આવ્યું ત્યારે આગામી સમયમાં આ આંદોલન કેટલું આગળ વધે છે તે જોવું રહ્યું પરંતુ વસાવાની આ વાતે ચર્ચા જરુરથી જગાવી છે.
ટૂંક સમયમાં આંદોલનને ઉગ્ર બનાવીશ – વસાવા
ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અલગ ભીલીસ્તાન રાજ્ય બનાવવા માટે આંદોલન કરશે. તેઓ કહે છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી આગેવાનો સંપર્કમાં છે. તેમણે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, હું ટૂંક સમયમાં આંદોલનને ઉગ્ર બનાવીશ. જોકે ચૈતર વસાવાની આ માંગ પર કોંગ્રેસ અને ભાજપનો જવાબ આવવાનો બાકી છે.
ગુજરાતના 14 જિલ્લામાં 27 અનામત બેઠકો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે પહેલા આદિવાસી સમુદાય માટે અલગ ભીલીસ્તાન રાજ્ય હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો આખો આદિવાસી વિસ્તાર આવ્યો, પરંતુ બાદમાં તે અલગ-અલગ રાજ્યોમાં ગયો. કારણ કે ગુજરાતના 14 જિલ્લામાં 27 અનામત બેઠકો છે. એ જ રીતે મહારાષ્ટ્ર પણ રાજસ્થાનમાં આદિવાસી વિસ્તાર છે. જે પ્રકૃતિના ખોળામાં રહીને પ્રકૃતિની પૂજા કરે છે. આદિવાસી સમાજની પોતાની આગવી સંસ્કૃતિ અને જીવનશૈલી છે. આ સમાજના રીતિ-રિવાજો, પરંપરાઓ, પ્રથાઓ અલગ છે. ચૈતર વસાવાએ ટ્વીટ કરીને એક નકશો પણ પોસ્ટ કર્યો અને કહ્યું કે આઝાદી પછી આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું.
ચૈતર વસાવાએ આ મામલે કહી આ વાત
ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે, અહીંના લોકોનો જળ, જંગલ અને જમીન પર અધિકાર છે. તે છીનવાઈ રહી છે. આજે તમે જોઈ શકો છો કે તમામ એનજીઓ આદિવાસી વિસ્તારોમાં આવીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આ એવી જમીન છે જે કોઈ લઈ શકતું નથી. કેવડિયા હોય કે અન્ય વિસ્તરણ હોય. બહારથી આવેલા લોકોએ હજારો હેક્ટર જમીન પચાવી પાડી છે.
આ વિસ્તારોમાં ઘણા ખનિજો છે. દેશના વિકાસ માટે અહીંથી તમામ વસ્તુઓ લેવામાં આવે છે, પરંતુ પાછળથી આદિવાસી સમાજને કશું મળતું નથી. આવી સ્થિતિમાં બંધારણની અનુસૂચિ Vનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આથી અમારી ભીલ પ્રદેશ અને ભીલીસ્તાનની માંગ છે.