Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારવલસાડસમાજ મિત્રમ

કપરાડાના આદિવાસી ખેડૂત મશરૂમની ખેતીથી ગામની મહિલાઓને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહ્યા છે.

વિક્રમ સંવત 2079, ચૈત્ર સુદ ચૌદશ ને બુધવાર.
⇒ સમાજ મિત્રમ , વલસાડ

દાબખલ ગામના આ ખેડૂતએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટીના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિર પાસેથી કપરાડાના વાતાવરણ, મર્યાદિત જગ્યા અને ઓછા રોકાણમાં કયા પ્રકારના મશરૂમની ખેતી કરી શકાય તેની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું હતું. તેથી તેમણે નાના પાયેથી ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવાની શરૂઆત કરી હતી.

આજે મોહનભાઈ મશરૂમની ખેતીમાં પોતાના અનુભવ મુજબ ખેતીની પદ્ધતિમાં સુધારા વધારા કરી વધુ ઉત્પાદન કરી આર્થિક મજબૂતાઈ મેળવી ગામની અત્યારસુધી ૮૦ મહિલાઓ સાથે કામ કરી આ મહિલાઓને પણ આ ખેતીમાં જોડી રહ્યા છે. જેથી આ તેઓ પણ પોતાના ઘરની જવાબદારીઓ ઉપાડી આર્થિક રીતે પગભર થઈ રહી છે.

મોહનભાઈએ હાલમાં બે(૨) યુનિટમાં ઓઈસ્ટર મશરૂમની ખેતી કરી રહ્યા છે અને તેઓ ચોમાસા દરમિયાન વધુ યુનિટ પણ ઉભા કરશે. એક યુનિટમાં આશરે ૧૨૦ જેટલા સિલિન્ડરમાં મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ઓઈસ્ટર મશરૂમની ખેતી કપરાડા વિસ્તારમાં સૌથી વધુ અનુકૂળ આવે છે કારણ કે આ મશરૂમના ઉત્પાદનમાં જરૂરી તાપમાન માત્ર પાણીના સમયાંતરે છંટકાવથી જળવાઈ રહે છે. તેને બટન મશરૂમના ઉત્પાદનમાં ફરજિયાત જરૂર પડતા એ.સી.ની જરૂર પડતી નથી તેથી રોકાણ પણ ઓછું કરવું પડે છે. ડાંગરના પૂળા અને શણના કોથળામાંથી મર્યાદિત જગ્યામાં બનાવેલા નાના શેડમાં મશરૂમને જરૂરી તાપમાન જળવાઈ રહે છે. તેઓ મશરૂમ ઉગાડવા માટેના સિલિન્ડર પોતાના જ ડાંગરના પૂળામાંથી બનાવે છે. સિલિન્ડરમાં ડાંગરના નાના કાપેલા પૂળામાં જરૂરી ફુગનાશક ભેળવી ફોર્મ્યુલેશન માટે પાણીમાં ૧૮ કલાક પલાળી રાખી બાદમાં તેમાં જરૂરી માત્રામાં બિયારણ નાંખી અને ઉપરથી પાણી આપતા રહે છે. સામાન્ય રીતે આ સિલિન્ડર સ્ટેંડિંગ પદ્ધતિથી રાખવામાં આવે છે પરંતુ મોહનભાઈએ પોતાની આવડત મુજબ સ્ટેન્ડિંગની સાથે સાથે હેંગિંગ પદ્ધતિની શરૂઆત કરી છે. આ પદ્ધતિમાં માત્ર એક મોટા સિલિન્ડરની જગ્યાએ છ થી સાત નાના સિલિન્ડર બનાવીને દોરીથી લટકાવી દેવાય છે જેથી લણણી અને પાણી છંટકાવ વધુ સરળ બની રહે છે. ૧ કિલોગ્રામ બિયારણમાં સાત થી આઠ નાના સિલિન્ડર અને ત્રણથી ચાર મોટા સિલિન્ડરમાં વાવેતર થઈ જાય છે. પાણી અને સમય બંનેની બચત થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિથી સિલિન્ડર ઉપર પાણીનો છંટકાવ કરાય છે. મશરૂમનો પાક ૧૮ થી ૧૯ દિવસમાં પહેલી લણણી માટે તૈયાર થાય છે. એક વાવણીમાં સાત થી આઠ વખત લણણી કરે છે. એક સિલિન્ડરમાંથી સાત થી આઠ કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન થતા તેઓ હાટ બજર અને સ્થાનિક બજારમાં તો ક્યારેક તો સીધા ખેતરમાંથી પણ એક કિલોના રૂ.૨૫૦ થી ૩૦૦ના ભાવે વેચાણ કરે છે. હાલમાં મોહનભાઈ તેમના એક યુનિટની સંપૂર્ણ કામગીરી ગામના જ વનિતાબહેન અને રમેશભાઈ ગળવીની સહાયથી કરી રહ્યા છે અને બીજા યુનિટની કામગીરી બીજી બહેનોની સહાયથી કરે છે. વનિતાબહેન અને રમેશભાઈ યુનિટમાં પાણી છંટકાવ થી લઈને લણણી સુધીની બધી જ કામગીરી મોહનભાઇની દેખરેખ હેઠળ કરે છે. તો તેમના માતા કાળઘુબેન ગળવી મશરૂમનું હાટબજાર અને સ્થાનિક બજારમાં વેચાણ કરે છે. જ્યાં પણ તેમને તેમના ઉત્પાદકોનો સારો ભાવ મળી રહે છે. ઓછી જમીન હોવાથી બીજા પાકોની વધુ ખેતી શક્ય ન હોવાં છતાં મશરૂમની ખેતી દ્વારા કપરાડાના આ ખેડૂત પોતે તો રોજગારી મેળવી જ રહ્યા છે સાથે સાથે બીજા ગામલોકોને પણ રોજગારીની તકો પૂરી પાડી રહ્યા છે. કપરાડા ડુંગરાળ પ્રદેશ હોવાથી ત્યાંનું તાપમાન પણ ઊંચુ રહે છે તેથી આ સમયમાં પણ તેઓ પોતાની આવડત અને સાચી પદ્ધતિથી મશરૂમની ખેતી કરી સારૂં ઉત્પાદન મેળવી રહ્યા છે એ ખુબ જ મોટી બાબત છે. કપરાડાના આ ખેડૂતની જેમ ઓછી જમીનમાં પણ સાચી ટેક્નિક અને મહેનતથી વધુ ઉત્પાદન મેળવી દરેક ખેડૂત આત્મનિર્ભર બની શકે છે.     

Related posts

કોરોના સંક્રમણના કેસો વધતા વાલીઓ ચિંતાતુર.

mitramnews

આજે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા સપન્ન, હવે જૂનમાં આવશે પરિણામ!

mitramnews

સ્વનિર્ભર નારીશક્તિ, આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને 1.60 લાખનું બચત ભંડોળ ઉભુ કર્યું

mitramnews

Leave a Comment