વિક્રમ સંવત 2079 ચૈત્ર સુદ પુનમ ( હનુમાન જન્મોત્સવ )
⇒ ધર્મ-યાત્રા-પ્રવાસ, સુરત
Ψ હનુમાન જન્મોત્સવ ખાસ Ψ
દેશભરમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. શહેરના વિવિધ હનુમાન મંદીરોમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે હેઠળ ગુરુવારે વહેલી સવારથી મંદિરોમાં મહાઆરતી, રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
આજે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ
શહેરમાં પાલ વિસ્તારમાં આવેલા જાણીતા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે, જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ પણ કરાઈ છે. 4500 કિલોનો લાડુ તૈયાર કરવા માટે 500 કિલો ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા, સૂક્કો મેવોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત, 15 હજાર લીટર છાશ, 2 હજાર કિલો બુંદી અને ગાઠિયા, પૂરી, શાક, દાળ-ભાત વગેરેના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મંદિરમાં વર્ષ 2004થી લાડું બનાવવાનું આયોજન
અટલ આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું કે, હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અર્પણ કરવામાં આવશે. આજે મંદિરમાં સવારે 11થી રાતના 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આશ્રમમાં વર્ષ 2004થી લાડું બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 2004માં મંદિરમાં 551 કિલોનો લાડુ બનાવી હનુમાન દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીમે-ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હનુમાન દાદા છે એટલે જ આ કાર્યકમ થાય છે.