વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ બીજ ને શનિવાર
⇒ રાજકીય, સમાજ મિત્રમ, વલસાડ (વાપી)
વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના 4.40 કરોડના ખર્ચે વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ, વધુમાં તેમણે એ પણ કહ્યું કે રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન અંગે સરકારે સર્વે હાથ ધર્યો છે. આગામી દિવસોમાં સરકાર પોઝિટિવ નિર્ણય લઈ સહાય કરશે
નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસોથી વાપી નગરપાલિકાનો વિકાસ કરવો જોઇએ એમ મંત્રીએ આ તબક્કે જણાવ્યું હતું. રાજય સરકારે રાજયના વિકાસ માટે જે રીતે દ્વારકાના દરિયાકાંઠા પરના દબાણો દૂર કર્યા છે તેજ રીતે નગરપાલિકાના વિકાસ માટેના અવરોધો કે દબાણો દૂર કરીને વિકાસના કામો કરવા જોઇએ. વાપી નગરપાલિકાના થઇ રહેલા વિકાસ બાબતે મંત્રીએ ભૂતપૂર્વ પ્રમુખોનો ઉલ્લેખ કરી નગરના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લીધી હતી. નગરપાલિકાના જે તે વિસ્તારના પૂર્ણ થયેલા પ્રોજેકટના સંચાલન માટે સંબિધત વિસ્તારના ચૂંટાયેલા લોકોની કમિટી બનાવવા માટે મંત્રીએ સૂચન કર્યુ હતું. મંત્રીએ આ વિસ્તારમાં ઘાંચીયા તળાવનો વિકાસ થવાથી શહેરના લોકોને એક પર્યટન સ્થળની સુવિધા મળશે એમ જણાવ્યું હતું. રૂા. 4.40 કરોડના ખર્ચે તૈયાર થનારા ઘાંચીયા તળાવમાં રબલ મેશનરીથી પીચીંગ કરવામાં આવશે.
તળાવની વચ્ચેના ભાગે આઇલેન્ડ બનાવવામાં આવશે આ આઇલેન્ડ ઉપર જવા માટે બ્રીજ બનાવવામાં આવશે અને આ આઇલેન્ડ પર ભગવાન શ્રીકૃષ્ણનું શેષનાગ સાથેનું સ્કલ્પચર બનાવવામાં આવશે.
સહેલાણીઓ માટે ફૂડ પ્લાઝા અને કાફટેરિયા, લેન્ડ સ્કેપીંગ, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકીંગ પાથ વે, પબ્લિક યુટીલીટી, કમ્પાઉન્ડ વોલ, પાર્કિગ સુવિધા, ગઝેબો અને ઓપન ગાર્ડનનો સમાવેશ થાય છે
આ પ્રસગે ઉંમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રાજયની 165 નગરપાલિકાઓ અને 08 મહાનગરપાલિકાઓમાં સુનિયોજીત વિકાસ થઇ રહયો છે. રાજયના નગરોના વિકાસ માટે રાજય સરકાર દ્દારા માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે વાપી નગરપાલિકા દ્વારા આ વિસ્તારના તળાવના વિકાસની પૂર્વ ભૂમિકા આપી આ વિસ્તારના જાગૃત લોકોનો આભાર માન્યો હતો. સ્વાગત પ્રવચનમાં કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઇએ વાપી નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે થઇ રહેલા કામો અને ભવિષ્યમાં થનાર કામોની વિગતવાર માહિતી આપી હતી. બાંધકામ સમિતીના ચેરમેન જયશેભાઇ કંસારાએ આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં વાપી નગરના શહેર સંગઠન પ્રમુખ સતીષભાઇ પટેલ, વાપી નોટીફાઇડ એરિયાના ચેરમેન હેંમતભાઇ પટેલ, વાપી વી. આઇ. એ. ના પ્રમુખ કમલેશભાઇ પટેલ અને વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, નગરપાલિકાના સદસ્યો તેમજ ડુંગરા વિસ્તારના નગરજનો હાજર રહયા હતા.