વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ ત્રીજ ને રવિવાર.
⇒ આરોગ્ય મિત્રમ
રોગોથી બચવા લોકો પોષક તત્વોનું સેવન કરે છે. કેરી, નારંગી, કેળા સહિતના અન્ય ફળોમાં વિટામિન એ, વિટામિન સી અને અન્ય મિનરલ્સ હોય છે. બીજી તરફ, બોડીમાં પોષક તત્વોને પૂરો પાડવા માટે ડ્રાય ફ્રૂટ પણ મુખ્ય સ્ત્રોત છે. ઘણા લોકો તેને દૂધ સાથે અથવા કોઈપણ પીણામાં ઉમેરીને પીવાનું પસંદ કરે છે. બદામ, કાજુ, અખરોટ, ખજૂર, સૂકી દ્રાક્ષ એવા જ ડ્રાય ફ્રૂટ હોય છે. આજે અમે આ ડ્રાય ફ્રૂટ્સના ઔષધીય વિશેષતા અંગે જાણકારી આપવાનો પ્રયાસ કરીશું.
ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અખરોટ
ડ્રાય ફ્રુટ્સમાં અખરોટ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, મગજની શક્તિ વધારવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનું પણ જોખમ ઘટાડે છે. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે અખરોટ કયા રોગોમાં ફાયદાકારક હોય છે.
હ્રદય રોગનું જોખમ ઓછું કરે છે
ઘણા સંશોધનો દર્શાવે છે કે, અખરોટ એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેના કારણે તે લોહીની નસોમાં જામતું નથી. હાર્ટ એટેકનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
અખરોટ માત્ર હૃદય માટે જ નહીં પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. જે લોકોને ડાયાબિટીસ નથી, તેમનામાં ડાયાબિટીસને જોખમને ઓછું કરે છે. તેનું ઇન્સ્યુલિન નિયંત્રણમાં રહે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં લાભકારી
અખરોટ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ અસરકારક છે. રિસર્ચ મુજબ, અખરોટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ અંગે 7,500 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સામે આવ્યું છે કે, દરરોજ 28 ગ્રામ અખરોટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૃદયના જોખમને પણ ઘટાડે છે.
સોજો ઓછો થાય છે
તે શરીરના કોઈપણ ભાગમાં સોજો ઓછો કરવાનું પણ કામ કરે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, અખરોટમાં ઉપલબ્ધ પોલિફેનોલ્સ, ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ ગુણ હોવાને કારણે તે કોઈપણ પ્રકારના ચેપનું જોખમ પણ ઘટાડે છે.
સ્થૂળતા ઘટાડવામાં કરે છે મદદ
અખરોટ મેટાબોલિઝમ સુધારવાનું કામ કરે છે. તે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતામાં ઘટાડો થવાથી હૃદય, હાયપરટેન્શન, ડાયાબિટીસ જેવા રોગોથી પણ રક્ષણ મળે છે.