વિક્રમ સંવત 2079, ચૈત્ર વદ નોમ ને શુક્રવાર.
⇒ સતર્ક મિત્રમ, સેલવાસ.
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કન્સ્ટ્રકશનમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર નહિ મળતા હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર પર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ હેઠળ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી સેલવાસના નરોલી આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીને રજુઆત કરી મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. કામદરોનું કહેવું છે કે, તેમને કોન્ટ્રાકટર દ્વારા 3 મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. પગાર માંગે છે તો તેમને ધમકાવવામાં આવે છે. કામદારો અહીં MP, UP, પંજાબથી કામ કરવા આવ્યા છે. જેઓ હાઇવેના પ્રોજેકટ માં ચાલતા ડમ્પર, કોન્ક્રીટ મિક્સરમાં ડ્રાઇવર તરીકે તેમજ કેટલાક ઓપરેટર તરીકે નોકરી કરે છે. કંપનીએ પગારના પૈસા નહિ આપતા તેઓને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. પરિવારના બીમાર સભ્યોની સારવાર નથી કરાવી શકતા, બાળકોના એડમિશન માટે તેમજ અભ્યાસ માટે ફી ભરી નથી શક્યાં, બાળકોનો અભ્યાસ અટક્યો છે. કોઈ ઉધાર પણ આપતું નથી. કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર સુરજ રાઉતે વિગતો આપી હતી કે, કામદારો ની સમસ્યા સાંભળી રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ કંપનીના ધર્મબિર પાંડે સાથે વાત કરી છે. જેમણે હાલ બાંહેધરી આપી છે કે, આગામી એક સપ્તાહમાં તે તમામ કામદારો નો પગાર ચૂકતે કરી દેશે. જો કે કોન્ટ્રાકટર ધર્મબિર પાંડે નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તો, વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ મોદી સરકારનો ડ્રિમ પ્રોજેકટ હોય તેના જ કોન્ટ્રાકટર દ્વારા કામદારોને પગાર નહિ ચુકવવામાં આવ્યો હોય એ અંગે પ્રોજેકટ ડાયરેકટર તુષાર વ્યાસ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ બાબતને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર ને સરકાર તરફથી રેગ્યુલર બિલના પેમેન્ટનું ચુકવણું કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ હેઠળ અત્યાર સુધીમાં રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ પેઢીને 65 કરોડ જેટલું ચુકવણું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નરોલી આઉટ પોસ્ટ પર એક્સપ્રેસ હાઇવેના કામકાજથી અળગા રહેલા 200થી વધુ કામદારો હાલ પોતાના પગાર માટે રજુઆત કરી વહેલી તકે પગાર મળે તેના પર મીટ માંડીને બેઠા છે. ત્યારે, જો કોન્ટ્રાકટર દ્વારા તેમને પગારનું ચુકવણું કરવામાં નહિ આવે તો, મોદી સરકારના આ ડ્રિમ પ્રોજેકટ પર વિલંબથી પૂરો થવાનું ગ્રહણ લાગશે.