Ψ વિક્રમ સંવત 2079, જેઠ સુદ તેરસ ને શુક્રવાર
⇒ સુરત, અન્ય – સ્ત્રી શસસ્તીકરણ
મહિલાઓ સક્ષમ-સમૃદ્ધ-સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખીમંડળોને નાણાકીય સહાય પૂરી પાડીને સ્વરોજગારીના અવસરો આપવાના થઈ રહેલા પ્રયાસોને કારણે છેવાડાના વિસ્તારોમાં વસતી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની રહી છે. ત્યારે સુરત ઉમરપાડા વિસ્તારની આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક દવાઓનું ઉત્પાદન અને વેચાણથી સ્વનિર્ભર નારીશક્તિનું ઉદાહરણ પૂરૂ પાડતી ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની બહેનો,સખીમંડળની મહિલાઓ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દવાઓ બનાવીને પરિવારને આર્થિક આધાર આપી રહી છે, રૂ.૨.૯૫ લાખના અગ્નિઅસ્ત્રનું વેચાણ કરીને ખર્ચ બાદ કરતા રૂ.૧.૭૮ લાખની આવક મેળવી, વૈષ્ણવી સખીમંડળની આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ ઉભુ કર્યું.
રૂ.૧.૭૮ લાખની આવક મેળવી
રાજ્યની સન્નારીઓ સખીમંડળના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ કરીને આત્મનિર્ભર બની રહી છે. સૌને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.ત્યારે વાત કરવી છે સુરત જિલ્લાના ટ્રાઈબલ વિસ્તાર એવા ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની સ્વનિર્ભર નારીશક્તિની..કે જેમણે પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવી છે, છેવાડાના અંતરિયાળ ગામડામાં રહેતી આદિવાસી બહેનો પ્રાકૃત્તિક ખેતીમાં જરૂરી એવી જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહી છે. તેમણે રૂ.૨.૯૫ લાખના અગ્નિઅસ્ત્રનું વેચાણ કરીને રૂ.૧.૧૭ લાખનો ખર્ચ બાદ કરતા રૂ.૧.૭૮ લાખની આવક મેળવી છે. આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ પણ ઉભુ કર્યું છે.
સુમિત્રા બેન વસાવા_સખીમંડળના સભ્યએ કહ્યું કે, વૈષ્ણવી સખી મંડળની ૧૦ બહેનોએ સાથે મળીને તા.૨૦/૧૦/૨૦૨૦ના રોજ સખીમંડળની શરૂઆત કરી હતી. ગેલ કંપનીના સી.એસ.આર. હેઠળના કેર પ્રોજેકટ થકી દેશીગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર બનાવવા માટેની તાલીમ આપવામાં આવી. અમારૂ ગામ પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોવાથી તેમજ ઘરે ઘર ગાયો હોવાથી મહિલાઓને પ્રાકૃતિક ખેતી માટે દવાઓ બનાવવામાં સરળતા થઈ છે.
‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત સરકાર તરફથી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ
મહિલાઓ શરૂઆતમાં પ્રાકૃતિક દવાઓ તૈયાર કરીને પોતાના ખેતરોમાં છંટકાવ કરતા હતા. ધીમે ધીમે સખીમંડળની ખ્યાતિ વધતા ઓર્ડરો મળવા લાગ્યા. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટેની અગ્નિઅસ્ત્ર નામની અકસીર દવાની માંગ વધતા તેનું મોટા પાયે વેચાણ કરીને વૈષ્ણવી સખી મંડળ આવક મેળવી રહી છે.વૈષ્ણવી સખીમંડળને ‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત સરકાર તરફથી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ પણ પ્રાપ્ત થયું છે.
આ રીતે તૈયાર થાય છે દવા
યશોદા બેન વસાવા, સખીમંડળના સભ્યએ કહ્યું કે, અગ્નિઅસ્ત્ર બનાવવાની પધ્ધતિ વિેશે વાત કરવામાં આવે તો ૧૦ લિટર ગૌમૂત્ર લઈને તેમાં એક-એક કિલોના સરખા ભાગે તમાકુ, લસણ, મરચા, લીમડાના પાનનું મિશ્રણ કરીને ધીમા તાપ પર ચાર ઉભરા(ઉફાળો) આવે ત્યાં સુધી ઉકાળ્યા બાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તૈયાર થાય છે. એક વાર સુરત નજીકના ખેડૂત તરફથી અગ્નિઅસ્ત્ર બનાવવાનો ઓર્ડર મળ્યો, તેમને કૃષિપાકોમાં ફાયદો થતા આસપાસના ગામોમાંથી પણ વધુ ઓર્ડર મળવા લાગ્યા. અમદાવાદ, ડાંગ, બોડેલી એમ દૂર-દૂરથી વધુને વધુ ઓર્ડર મળતા છેલ્લા એક વર્ષમાં ૧૪૧૫ લીટરથી વધુ અગ્નિ અસ્ત્ર બનાવીને વેચાણ કર્યું છે. એક લીટરદીઠ રૂા.૨૦૦ થી રૂા.૨૩૦ લેખે વેચાણ કરવામાં આવે છે ત્યારે સખીમંડળનું હાલમાં રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ ઉપલબ્ધ છે. જેનાથી સખીમંડળ સાથે જોડાયેલી બહેનોને જરૂર પડે ત્યારે નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. હાલ સખીમંડળને રૂ.૧ લાખની કેશ ક્રેડિટ પણ સેંકશન થઈ ચૂકી છે.
પૈસાની જરૂર પડે તત્કાલ પૈસા મળી જાય છે
ખેડૂત એવા પિયુષભાઈ વસાવાએ કહ્યું કે, પહેલા સખી મંડળની બહેનો ખેતમજૂરી કરીને રોજની માંડ રૂા.૧૦૦ની આવક મેળવતા હતા. રોજગારીના અન્ય કોઈ સંસાધનો ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે ખેતમજૂરીનો સહારે જીવન વ્યતિત કરતા હતા. પણ આજે સખીમંડળના માધ્યમથી સારી એવી આવક મેળવી રહ્યા છે જ્યારે પણ પૈસાની જરૂર પડે તત્કાલ પૈસા મળી જાય છે. ઉનાળાના સમયમાં ખેતમજૂરીનું કામ ખુબ ઓછુ હોય છે, ત્યારે સખી મંડળની પ્રાકૃતિક કીટનાશક તેમજ અળસિયાનું ખાતર બનાવીને સરળતાથી આવક મેળવે છે,સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા કીટ નાશક રસાયણ નો ઉપયોગ કરવાથી ખેડૂતોને ખેતી માં સરો ફાયદો થયો છે,રસાયણ નો ઉપયોગ કરવાથી ખેડૂતોના પાક માં ઘણો સુધારો થયો છે,આ રસાયણનો ઉપયોગ કરવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થયો છે ત્યારે ખેડૂતો પણ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા આ કીટ નાશક રસાયણના ભરપૂર વખાણ કરી રહ્યા છે.