Ψ વિક્રમ સંવત 2079, જેઠ વદ ત્રીજ ને મંગળવાર.
⇒ સતર્ક મિત્રમ, અમદાવાદ.
અમદાવાદના સોલા વિસ્તારમાંથી દેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. ગોતા ખાતે આવેલા વિસત એસ્ટેટમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 23 લાખની વિદેશી દારૂની બોટલો સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, આરોપી ફરાર થતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
મળતી માહિતી મુજબ, ઝોન 1 એલસીબીને બાતમી મળી હતી કે, ગોતા ખાતે આવેલા વિસત એસ્ટેટમાં કેટલાક ઇસમો વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની એક ટીમે ઘટના સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 23 લાખ જેટલી થાય છે. જો કે, પોલીસને જોઈ ત્યાં હાજર તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ઝોન 1 એલસીબીએ વધુ કાર્યવાહી કરી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન, મોબાઇલ સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન સહિતનો ગુનો દાખલ કરી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.